સ્ટેચ્યુ જેવી રમત હતી ત્યારે;
જિંદગી પણ સરસ હતી ત્યારે.
હું ભમરડો ને દોર તું બનતી;
ફેર ફુંદરડી નવ હતી ત્યારે.
સાત-તાળી હું હારતો કાયમ;
નાચવાની શરત હતી ત્યારે.
આંબલી પીંપળી રમત વચ્ચે;
કડવી લિંબોળી મધ હતી ત્યારે.
છાપ, ફોટા અને લખોટીમાં
બાદશાહી અલગ હતી ત્યારે.
ગીલ્લી ડંડો કશેય ઝાલ્યો રહે?
પાંચ વાડાની હદ હતી ત્યારે.
બોર, કોંઠા ને કાકડી માટે;
એક રુપિયાની વગ હતી ત્યારે.
યોગેન્દુજોષી