કોને કહીએ Hi, Howdy ? - પંચમ શુક્લ
કોને કહીએ Hi, Howdy?
કોના ચૂલે ચડી તાવડી?
માનવ મહેરામણના મોજે,
મનઘડંત થઈ ગયા મોવડી.
એમ ઉડાડી જેમ આવડી,
ઊડ ઊડ થાતી ઉડણપાવડી.
ખટદર્શનમાં રાજ ખબખબે,
કાજરહિત છે રાજદેવડી.
રંગા-બિલ્લાની રમઝટમાં,
રામ થવાની રામણદીવડી.
સમરથ મ્હાલે સાંઢ થઈને,
થાય ગાભણી રાંક ગાવડી.
મધુર અને કરિયાતું તુલતી,
કવિની કાંધે કાવ્યકાવડી.
***
મહેરામણ - મહાસાગર
મનઘડંત - કાલ્પનિક, તરંગ-તુક્કાવાળું, ઉપજાવી કાઢેલું
ખટદર્શન - હિંદુઓના તત્ત્વજ્ઞાન સંબંધી જુદા જુદા છ મત. તેનાં નામ: સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત
રાજદેવડી - દરબારી કચેરી, રાજ મંદિર
રામણદીવો - લગ્નાદિ પ્રસંગે નીચે ચાડાવાળી પતરાની માંડણીનો દીવો, વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે