જરા અંધાર-નાબૂદીના, દસ્તાવેજ લઇ આવ્યો;
અરે! લો આગિયો, સૂરજથી થોડું તેજ લઇ આવ્યો.
'તમે છો’ એવો ભ્રમ, ફિક્કો ન લાગે એટલા માટે,
તમારી શક્યતામાં, બસ હું થોડો ભેજ લઇ આવ્યો.
હતો મર્મર છતાં પર્ણો, અનુભવતાં’તાં એકલતા,
પવન જઇ રાતરાણીથી, મહેંકની સેજ લઇ આવ્યો.
પ્રથમ ટપકું શું છાતીમાં, પછી તો મેઘધનુષ આખું,
તમે જે રંગ પૂર્યા લોહીમાં, હું એ જ લઇ આવ્યો.
- શોભિત દેસાઇ