કવિતા લખવાની રીત
બાબુ સુથાર
---
એક કોઠામાં એક વૃક્ષ મૂકો
વેલો મૂકશો તો ય ચાલશે
શરત માત્ર એટલી કે
એ કમોસમે સુકાઈ ન જવો જોઈએ.
હવે બીજા કોઠામાં તમારી પ્રેમકથા મૂકો.
પ્રેમકથાના પ્રકારો:
નાયક/નાયિકા ને નાયિકા/નાયક મળ્યાં નથી.
શોધ ચાલુ છે.
નાયક/નાયિકાને નાયિકા/નાયક મળ્યો/મળી છે
પણ વચ્ચે વ્યવધાન છે.
વ્યવધાન કોઈ પણ
કે કંઈ પણ હોઈ શકે.
આ ઉપરાંત પણ બીજા પ્રકારો શક્ય છે.
જેમ કે પ્રેમ નિષ્ફળ.
ઉપર પાસ પણ નહીં.
હવે જોડકાં ગોઠવાં.
તમારો પ્રેમ નિષ્ફળ જાય એવું લાગે છે?
તો બીજા કોઠામાં વૃક્ષનાં પાંદડાં સૂકાઈ ગયાં છે
તમે એ પાંદડાંને ચંદ્ર કે બીજા ગમે એની સાથે જોડી શકો.
ગુજરાતી કવિતામાં કોઈ બળિયોકાકોય પૂછશે નહીં.
જો તમારા પ્રેમની વચ્ચે વ્યવધાન આવતું હોય-
દા.ત. નાયક કે નાયિકા અલગ જ્ઞાતિનાં હોય
તો તમે એક કોઠામાં આવેલા વૃક્ષનાં
એવાં પાંદડાં સાથે તાળો મેળવો
જે હજી હમણાં જ ફૂટ્યાં હોય.
કેટલાક રોમેન્ટિક કવિઓ એમને
કૂપણો કહે છે
અને અતિશય રોમેન્ટિક કવિઓ
એમને નારીના કોઈને કોઈ
ખાનગી અવયવ સાથે જોડતા હોય છે.
માનો કે તમારો પ્રેમ નિષ્ફળ ગયો હોય તો
ચિન્તા ન કરતા.
બીજા કોઠામાં વૃક્ષ તૈયાર જ છે.
એનાં પાંદડાં ખંખેરી નાખો
ડાળ પણ પાનખરમાં ખરી પડી
એમ લખો.
પછી લખો આંસુની જેમ.
થડ પણ ખરી ગયું
એમ લખવાથી પ્રેમ વધારે નિષ્ફળ લાગશે
પણ પછી લખવું પડશે:
કીકીઓમાંથી વરસેલા શ્રાવણ ભાદરવાની જેમ.
ગુજરાતીમાં તમને કોઈ પૂછશે નહીં
અને જો પ્રેમ સફળ થયો હોય તો
તમારે કંઈજ કરવાનું નથી.
તમારે પેલા બીજા કોઠામાં આવેલા વૃક્ષ સાથે
સાત ફેરા ફરવાના
અને એક ઊર્મિ ગીત ઠોકી મારવાનું.
જેમ કે, સાહ્યબો મારો પીળા તે પાંદડાની કોર
જાણે વગડાના ટોડલાનો મોર
વગડાના ટોડલા-ની વાત કરવા બદલ
ગુજરાતી સાહિત્યમાં તમને કોઈ ટોકશે નહીં.
બસ. બધી કવિતાઓ આ રીતે જ લખાતી હોય છે.
આ કવિતા પણ.