આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,
જે વચન દેતા નથી તોય નિભાવી જાય છે…
બહારના જીવનના છે, એ મારા જીવનના નથી,
તે પ્રસંગો કે જે મારું દિલ દુઃખાવી જાય છે…
મારી કિસ્મત છે જુદી,તારું મુકદર છે અલગ,
કોઈ વખત એક જગા પર કેમ આવી જાય છે…
છું બહુ જુનો શરાબી જામથી ખેલું છુ હું,
હો નવા પીનાર તેઓ ગટગટાવી જાય છે…
ઓ શિખામણ આપનારા, તારો આભારી છું હું,
મારા આ રડમસ જીવનમાં તું હસાવી જાય છે…