હું લખું શૂન્ય,
તું સવા સમજજે,
હું લખું કાગળ કોરો ,
તું ભાવ સમજજે....
હું લખું શૂન્ય...
દ્રારે નથી બાંધ્યું આસોપાલવનું તોરણ,
તેં વાવેલ ને વૃક્ષ થઇને ઊભું છે એ આસોપાલવનાં વૃક્ષને તોરણ સમજજે,
હું લખું શૂન્ય...
તારાં ગયાં પછી,
આંખોનાં નીર પણ
મૃગજળ બની ગયાં છે,
એ મૃગજળને તું
નદી સમજજે,
હું લખું શૂન્ય....
આપણી અઢી અક્ષરની પ્રેમની
કહાની કયાં પૂરી થઈ છે,
વાંચ-સાંભળ જયારે તારી યાદમાં મેં લખેલ ગઝલ, કહાની પૂર્ણ થઇ એમ સમજજે,
હું લખું શૂન્ય...
આપી હોય દીકરીને પિતાએ હસતાં હસતાં વિદાય,
ત્યારે એ પિતાની કોરી આંખો માંહેંની વેદના સમજજે,
હું લખું શૂન્ય...
જયારે જયારે થાય પુત્રપ્રેમમાં અંધ માતા-પિતા,
ત્યારે ત્યારે કોઇ મહાભારતની શરૂઆત સમજજે,
હું લખું શૂન્ય...
હોય કો' પોતીકાનાં હાથમાં પીઠ
પાછળ ખંજર,
હશે એ ખંજરની પાછળ કોઇ
મજબૂરી એમ સમજજે,
હું લખું શૂન્ય,
તું સવા સમજજે,
હું લખું કાગળ કોરો ,
તું ભાવ સમજજે..
--- મુકેશ મણિયાર.