એમજ એ સપનામાં ખાલી આવે,
તો પણ લાગે કે દિવાળી આવે.
રોજે ઈચ્છાઓ તોડી શું કરવું?
જો પથ્થર તોડી તો રેતી આવે.
જાઓ સૌ સત્યોને બાંધી લાવો,
મારામાં અફવાની આંધી આવે.
તું ખુદનાં રંગોથી અજવાળી લે,
થોડી રાતો પણ અંધારી આવે.
કંઈ કર્મો દાટી નાખ્યાં છે મારાં,
છેવટ લાગ્યું સઘળું ઊગી આવે.
એ કારણ ઈશ્વર પૂજું છું 'જન્નત',
અંતે વારા - ફરતી વારી આવે.
-જન્નત
પિનલ સતાપરા