બોટલ ધરીને બાળને ધાવણને મારીએ છીએ,
સાચું કહું તો આપણે આપણને મારીએ છીએ.
વિભિષણો નાભિ તરફ ચીંધ્યા કરે છે આંગળી,
પણ એ છતાં ક્યાં આપણે રાવણને મારીએ છીએ !
ભિક્ષા દઈને આપણે માગણને તારીએ છીએ ?
ભિક્ષા દઈને આપણે માગણને મારીએ છીએ !
ખડકી દીધી છે હોટલો શું ગીરના જંગલ મહી !
સિંહોની સાથે આપણે સાસણને મારીએ છીએ.
'નિનાદ', કર્તા તો કદી આપણને ક્યાં દેખાય છે !
કારણ વગરના આપણે કારણને મારીએ છીએ.
કવિ : નિનાદ અધ્યારુ