આ વરસે ચોમાસુ અનરાધાર વરસી પડયું હતુ.રાજ્યની ઘણી નદીઓ પુરથી ગાંડીતુર બની તોફાન મચાવી રહી હતી.
ઉપરવાસના વરસાદથી નાનપુર ગામની નદી આજ રણચંડી સ્વરુપ ધારણ કરી તાંડવ કરી રહી હતી.તે તોફાનમાં હડફેટે ચઢેલા કંઇક ઝાડ ધરાશયી થયાહતા.ને કઇંક ઢોર -ઢાંખર તણાતા દુર ફેંકાઇ ગયા હતા.
ઝાડીઝાંખરા મા ભરાયેલી લાશ પર બેઠેલા ગીધોને તો આજ મઝાની મિજબાની હતી.
ધોવાણ થયેલા રસ્તાના ખાડામાં દુધના ટેન્કરનું પાછળનુ વ્હીલ પછડાતા ઝાટકા સાથે સ્ટીયરીંગ છટકતા ડ્રાઇવર બહાર ફેંકાતાની સાથે તેનુ માથુ નાળિયેરની જેમ એક પથ્થર સાથે અથડાતા ત્યાંજ........
બે દિવસથી દુઘ-અનાજ વગરના ભુખ્યાડાંસ નાનપુરના લોકો ડ્રાઇવર તરફ ઉપેક્ષિત નજર કરી , તેમના ઘરેથી જે હાથમાં અાવ્યું તે વાસણ લઇ આડા થઇ ગયેલા ટેન્કર પાસે દુધ લુટવા દોડી ગયા....
____________________________________
દિનેશ પરમાર 'નજર'