ભિખારી.......................................
ફોન આવતા ચાલુ ગાડીએ ડેવલપરે ડ્રાઇવરને સુચના આપી," બાજુ પર ઉભી કર મોટા સાહેબનો ફોન છે."
"બોલો સર…હા…બપોર પછી આવુ છું.”
મોબાઇલ કટ કરી શ્રોફ એન્ડ શ્રોફના માલિક સંજયે ડ્રાઇવરને બપોર પછી આર એન્ડ બી ની ઓફિસે જવાની સુચના આપી.
__________________________________
સાહેબની ચેમ્બરમાં બીલના હિસાબનુ કવર મુકી ઉભા થતા સંજયે
કહ્યું," સર...રજા લઉં ,બીજુ કંઇ કામ હોય તો કહેજો."
કંઇક યાદ આવતા જ સાહેબ બોલ્યા,અરે..સંજય .. શ્રીમતીએ બાધા રાખીછે રવિવારે શ્રીનાથજી જવુ છે ,ગાડીની વ્યવસ્થા કરજે ને!!"
"સ્યોર સર.. ?" કહી સંજય કેબીન છોડી ગયો.
_____________________________________
રસ્તામાં ,ગાડી ડિઝલથી ફુલ કરી ,સારામાં સારી હોટલમાં સાહેબ-મેડમને ફુલ નાસ્તો કરાવી , શ્રીનાથજી પહોંચ્યા ત્યારે લગભગ અગિયાર થયેલા .
જેવા સાહેબ ને મેમ મંદિર તરફ જવા ફર્યા,કે ત્યાં દોડતું ભિખારીનું ટોળુ આવી ચઢયું ને સામટા ભીખ માંગવા મંડી પડ્યા..
સાહેબ આંખ કાઢતા બોલ્યા ,"..સાલા....ભિખારી... ભાગો.."
આ સાંભળી ગયેલો અબ્દુલ ભિખારીઓ તરફ અને સાહેબ તરફ વારાફરતી જોતો જ રહી ગયો.......
__________________________________
દિનેશ પરમાર 'નજર'