સાવ તકલાદી આ પળ છે! તું ભલે માને નહીં
આપણું મળવું ય છળ છે, તું ભલે માને નહીં
રાત આખી એક પડખે જાગરણ વેઠયું હતું
બેઉ પડખે તો ય સળ છે,તું ભલે માને નહીં
એકબીજાની ગલીના કેટલા ફેરા કર્યા !
આપણો ફેરો સફળ છે, તું ભલે માને નહીં
પ્રશ્નનો ઉત્તર નવો એક પ્રશ્ન છે એ માનવા
કારણો મારા સબળ છે, તું ભલે માને નહીં
નંગમાં પૂરીને એ બ્રહ્માંડને પ્હેરી શકે
ગ્રહ નહીં માણસ અકળ છે, તું ભલે માને નહીં
છે વિરહના કેફનો અંતિમ તબક્કો આ હવે
આગમન સૌનું ટીખળ છે,તું ભલે માને નહીં
કોઈના ડૂબી ગયાની છે નિશાની આખરી
આંખના જળમાં વમળ છે તું ભલે માને નહીં
લિપિ ઓઝા