હસીને હું જ મારા પર મને ખુશહાલ રાખું છું,
તમાચો ખાઈને પણ ગાલ મારા લાલ રાખું છું.
વીતેલી કાલની વાતે ઘણી પછડાટ આપી છે,
પછીથી હાથમાં હું આવનારી કાલ રાખું છું.
મને મારા જ અંગત મારશે લઈ હાથમાં ખંજર,
હું મારી પીઠ પાછળ એટલે તો ઢાલ રાખું છું.
ફકીરી મોજથી આ જિંદગી જીવી જવા માટે,
હવે હું લાગણીને સાવ અધ્ધરતાલ રાખું છું.
નથી પરવાહ કોઈ દોસ્ત કે દુશ્મન ભલે હો પણ,
બધા માટે હું મનમાં એકસરખું વ્હાલ રાખું છું.
નીતા..'રૂહ'