' આશાનો છોડ ' રમેશનું ઘર એટલે એક નાનકડી રુમ અને એમાં જ ખૂણામાં બનેલું રસોડું જેમાં તે પોતાની વિધવા માઁ સાથે રહેતો હતો . વિધવા માઁ એ પોતાની પુરી જિંદગી રમેશના ભણતર પાછળ ખર્ચી નાખી .ન ટાઢ , ન તડકો અને લોકોના મેણા ટોણા તો ખરા જ ....પોતાની વિધવા માઁ એ કેટકેટલું વેઠયું હતું . ગ્રેજ્યુએટ થયા પછી લગભગ પચીસ થી ત્રીસ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપીને આવ્યો હશે . પણ દરેક જગ્યાએ નિરાશા જ હાથ લાગી . રમેશ આજે પણ ઇન્ટરવ્યૂ આપીને આવ્યો .ત્યાં પણ એ જ સવાલ ' તમને કામનો કોઈ અનુભવ ખરો ? ' ઘેર આવતા જ ગુસ્સામાં ને ગુસ્સામાં ફાઇલ ફેંકી ઘરના પગથિયે બેસી ગયો . અંદર કામ કરી રહેલી માઁ અને ખાલી થયેલા વાસણોનો અવાજ..... બે હાથ વચ્ચે પોતાના નિરાશ ચહેરાને છુપાવીને બેસી ગયો . થોડી ક્ષણો પછી ચહેરાને હથેળીમાંથી બાર કાઢતા જોયું . કોરીકધાડ પડી ગયેલી બંજર જમીન પર એક લીલોછમ નાનકડો છોડ ખીલી રહ્યો હતો . ગુસ્સામાં ફેંકેલી ફાઇલમાંથી વેરવિખેર થયેલા કાગળીયાને ફરી સમેટતા એક આશા સાથે રમેશે પોતાના ઘરમાં પ્રવેશ કર્યો .