ટપ્પ..! (માઇક્રો ફિક્શન)
"ભાઈ, હું તો ઘેઘુર ઘટાદાર વૃક્ષ બનીશ..!!" આશા થી છલોછલ એવા એક વૃક્ષબીજે ખરવા ની તૈયારી કરતા કરતા બીજા વૃક્ષબીજ ને કહ્યું. "મારી ડાળ પર કંઈ કેટલાય પક્ષીઓ માળા બાંધશે. રાહદારીઓ મારી છાયા નીચે નિરાંત ની એ ક્ષણો માણશે અને પ્રાણવાયુ થી ભરપૂર એવી ઠંડી હવાઓનું પાન કરશે. મારી બખોલમાં પ્રાણીઓ પોતાના બાળકોને જન્મ આપશે. અહા !, વ્હાલૂડાં બાળકો અને પક્ષીઓ મારા ફળોનો આસ્વાદ લેશે, સ્ત્રીઓ મારાં ફૂલોને કેશમાં ગૂંથી ને હરખાશે..!! કેટલું સુંદર જીવન !!!
મને મારી ધરતીમા પર સંપૂર્ણ વિશ્વાસ છે, એ મને પોતાના આશ્લેષ માં લઇ ને રક્ષણ અને પોષણ બંને પૂરું પાડશે. ચાલ દોસ્ત, હું નીકળું. મારી અંદર કેટલી ય કૂંપણો ફાટ ફાટ થઈને અંકુરણ થવાની રાહ જોઈ રહી છે."
અને ખૂબ અપેક્ષાસહ એ ચંચળ વૃક્ષબીજે માતૃવૃક્ષ ને પોતા થી અલગ કરીને જીવન સફર શરુ કરવા ધરતી તરફ પ્રયાણ કર્યું.
ટપ્પ...!! અને કોન્ક્રીટ ના ફ્લોર પર પછડાટ ખાઈને એ નાદાન બીજ, કોઈ ના પોતાને ઉઠાવીને મહેકતી માટી પર ફેંકે એ અસંભવ આશા સાથે, લાચારીથી પડ્યું રહ્યું.
બાજુ ના ઘરમાં એક સુંદર બાળક યુનિફોર્મ પહેરી ને અતિ ઉત્સાહ સાથે પહેલી જ વખત શાળાએ જવા માટે, માતાનો હાથ છોડી, આતુરતા થી ઘરની બહાર પગ મૂકી રહ્યો હતો. - હાર્દિક રાયચંદા (તા. ૦૫/૦૯/૨૦૧૯, શિક્ષક દિન)