એન્જિનિયરિંગ ગર્લ - વાર્તા પાછળની વાર્તા.
બહુ ઓછા લોકોને ખબર હશે કે આ વાર્તાના અમુક પ્રકરણો મેં સૌથી પહેલા મારા વર્ડપ્રેસ બ્લોગ પર લખેલા. ત્યારે બ્લોગ વાંચવા વાળા પણ બહુ ઓછા લોકો હતા. એટલે બહુ ઓછા લોકોએ આ પ્રકરણો વાંચ્યા હતા.
કોલેજમાં હતો ત્યારે મેં મારી પહેલી વાર્તા લખેલી - રોમેન્ટીક એક્ઝામ્સ. જે યંગસ્ટર્સનેં બહુ ગમેલી. પછી એક દિવસ વિચાર આવ્યો કે કેમ રોમેન્ટીક એમ્ઝામ્સ જેવીજ કોઈક બીજી વાર્તા ન લખુ.
એવા જ વિચારમાં મે બ્લોગ પર દર અઠવાડિયે રોમેન્ટીક એક્ઝામ્સ - ૨ લખવાનું શરૂ કર્યુ. વિચાર હતો કે પાંચ પ્રકરણની લઘુનવલિકા લખીશ. પરંતુ જેમ જેમ વાર્તા આગળ વધતી ગઈ એમ એમ પાત્રો અને વાર્તા મજબુત બનતી ગઈ. પછી વિચાર આવ્યો કે હવે આ વાર્તાનેં થોડો સમય આપીને લખવી જોઈએ એટલે મેં બ્લોગ પર વાર્તા મુકવાની બંધ કરી અને પછીના પ્રકરણોનું કામ શરૂ કર્યુ. જ્યારે વાર્તા પૂરી થઈ ત્યારે અમુક બ્લોગ વાંચકોને એ વાર્તા મોકલી પણ ખરી.
વાર્તામાં એક પાત્ર છે વિવાન. સાંભળીને કદાચ હસવુ આવશે કે એ પાત્રની પ્રેરણા મને અમારી સામે રહેતા ડોક્ટરના નાના બાળક પાસેથી મળી હતી. એને બાઈક પર બેસવાનો અને બાઈક ચલાવવાનો બહુ જ શોખ. એનું નામ પણ વિવાન હતુ. તો વાર્તાનું એક મહત્વનું પાત્ર મને એક નાના બાળકમાંથી મળ્યુ હતુ.
ત્રણ ભાઈબંધો ઉપર તો ઘણી વાર્તાઓ લખાઈ છે. ધ લાસ્ટ યર પણ એમાંની એક છે. પરંતુ ત્રણ બહેન પણીઓ ઉપર બહુ ઓછું લખાયુ હશે. :D :D . કોલેજ ની જ સખીઓ અને એમની હોસ્ટેલ લાઈફે મને ઘણી વિગતો આપી છે. એન્જિનિયરિંગ ગર્લ વાંચશો ત્યારે વધારે ખબર પડશે.
હું તો ચોક્કસપણે માનું છું કે મારી વાર્તાનાં પાત્રો જાણતા કે અજાણતા ક્યાંક ને ક્યાંક મારી આસપાસ જ હોય છે.
વાર્તા લખાઈ ગયા પછી લગભગ બે વર્ષ સુધી એમ ને એમ જ પડી રહી, મારા નજીકનાં મિત્રોએ વાંચી અને બહુ વખાણી. મને લખતી વખતે જ એટલો આત્મવિશ્વાસ હતો કે આ વાર્તા યુવાનો ને તો બહુ જ ગમશે. એટલે હું આ નવલખાથા ગમે તેમ પબ્લીશ કરવા નહોતો માંગતો. એટલે જ બ્લોગ પર લખવાની બંધ કરેલ. મેં નક્કિ કરેલું કે પહેલા ધ લાસ્ટ યર પેપર બેકમાં આવશે અને પછી જ એન્જિનિયરિંગ ગર્લ આવશે. હું બહું ઓછા પ્રકાશકોનેં આ વાર્તા બાબતે મળ્યો છું. ખબર નહીં અંદરથી જ એટલો વિશ્વાસ હતો કે આ પૂસ્તકનોં સમય આવશે એટલે મને કોઈ ને કોઈ તો મળી જ જશે અને એક દિવસ Sparsh Publication ના Tejasbhai સાથે વાત થઈ. એ આ પૂસ્તક પ્રકાશિત કરવા માટે તૈયાર થયા.
આ બધુ જ ઠીક. જો સૌથી વધુ મને બળ આપ્યુ હોય તો એ મારા વાંચકોએ આપ્યુ છે. હું ધ લાસ્ટ યર માટે બહુ બધા પ્રકાશકોને મળ્યો છું. ઘણા પ્રકાશકોએ મને કહ્યુ કે આ વાર્તા બોલ્ડ છે અને અમે આ પ્રકાશિત કરી શકીએ એમ નથી. ઘણા એ વાંચી જ નહીં, ઘણા એ પબ્લીશ કરવાની કમીટમેન્ટ કરીને ૬ ૬ મહિનાઓ સુધી લબડાવ્યો. પરંતુ જે પ્રતિભાવો મને વાંચકોએ આપ્યા છે એના લીધે હું થાક્યો નહી. એ જ પ્રેમ બળનાં લીધે આ વાર્તા લખવામાં મને ઘણું પ્રોત્સાહન મળ્યુ. ખરેખર જો વાંચકોનો આટલો પ્રેમ ના મળ્યો હોત તો કદાચ આ વાર્તા એક નવલકથા રૂપી દૂલ્હન ના બની શકી હોત.
ટુંક જ સમયમાં - એન્જિનિયરિંગ ગર્લ.