પ્રેમ આપવો હોય તો આપો
બાકી ઉપકાર નથી જોઈતો,
દિલથી આપો એટલે બહુ થઇ ગયું
લેખિત કરાર નથી જોઈતો.
જીવન બહુ સરળ જોઈએ
મોટો કારભાર નથી જોઈતો
કોઈ અમને સમજે એટલે બસ
કોઈ ખોટો પ્રચાર નથી જોઈતો.
માણસમાં માનીએ છીએ
કોઈ ભગવાન નથી જોઈતો,
એકાદ પ્રેમાળ માણસ પણ ચાલે
આખો પરિવાર નથી જોઈતો.
નાનું અમથું ઘર ચાલે
બહુ મોટો વિસ્તાર નથી જોઈતો,
ચોખ્ખા દિલનો કોઈ ગરીબ ચાલે
લુચ્ચો માલદાર નથી જોઈતો.
મ્હો પર બોલતો મિત્ર ચાલે
પાછળથી ચુગલી કરનાર નથી જોઈતો,
ચાર પાચ આત્મીય દોસ્ત ચાલે
આખો દરબાર નથી જોઈતો.
રોગ ભરેલું શરીર ચાલે
મનનો કોઈ વિકાર નથી જોઈતો
જે કહેવું હોય એ સ્પષ્ટ કહો
એકેય શબ્દ અધ્યાહાર નથી જોઈતો