સવારે વહેલા તૈયાર થઈ, આજુબાજુમાં રહેતા અને સાથે ભણતાં લોકોને એમના ઘરની બહાર ઊભા રહીને બૂમો પાડીને બોલાવતા અને પછી એક નાનું ટોળું સ્કૂલે પહોંચતું. ત્યાં અમારા જેવા બીજા કેટલાય લોકો હાજર હોય. બધા એમના વર્ગની લાઈનમાં ગોઠવાઈ જતાં, એક બે મોટા છોકરાઓ બધાને સરખી, લાઈનમાં ગોઠવડાવતા.
પીટી ના સાહેબ આવી બધાને સાવધાન, વિશ્રામ અને સલામી આપવાની પ્રેક્ટિસ કરાવતા...
પછી આચાર્યા બેન આવતા, એમની સાથે મુખ્ય મહેમાન લાવતા. એ મહેમાન એક લાકડાના લાંબા ડંડા સાથે બાંધેલી દોરી પકડીને એને ધીરે ધીરે ખેંચતા અને એ સાથે જ દોરીમાં બંધાયેલો તિરંગો છૂટો થયે જતો, એની સાથે બાંધેલી ફૂલોની પાંખડીઓ ચારે બાજુ ઉડતી અને રાષ્ટ્રધ્વજ હવામાં લહેરાઈ ઉઠતો....
બુલંદ અવાજે અમે સૌ જય હિંદના નારા લગાવી રાષ્ટ્રગીત ગાતાં...લોહીનું ટીંપુ ટીંપુ પ્રબળ રાષ્ટ્રભક્તિના આવેગથી ઉછાળા મારતું થઈ જતું. પછી આવતી એ મંગળ ઘડી જેની અમે બધા રાહ જોઈ રહ્યા હોય... અમારા શિક્ષકો લાલ પીળી પિપરમિંટની ગોળીઓ વહેંચતા. કોને કેવો રંગ મળ્યો એ બધાને બતાવીને એ ગોળી મોઢામાં મુકાતી અને એનું પ્લાસ્ટિક ખિસ્સામાં જતુ. થોડીવારે એક બીજાને જીભ બતાવી કેવો રંગ આવ્યો એ પુછાતુ...! કોઈ અરીસાની જરૂર જ નહિ, બાજુવાળો કહે એ સાચું! એ રંગીન ગોળીઓ કદી ખરીદીને ખાવાની મજા નથી આવી, સ્કૂલમાંથી એ મળે ત્યારે જ મીઠી લાગે! સ્ટેજ ઉપર મહેમાન બોલતા હોય ત્યારે કંઈ સમજમાં આવે ન આવે પણ સાહેબ તાળી પાડે એટલે અમે બધા જોર જોરથી તાળીઓ પાડતા.
હવે પણ હું જ્યારે કોઈ સ્કૂલમાં આજના દિવસે જવાનું થાય ત્યારે મારી સાથે ચોકલેટ્સ લેતી જાઉં છું, મારી દીકરી પૂછે છે, તું કેમ બધાને ચોકલેટ આપે છે?
હવે એને હું શું કહું, “હમ ભી કભી બચ્ચે થે...?”
જય હિન્દ ?