તું રડે તો જે હસે છે, એ જ સાચો મિત્ર છે
ને વગર વાંકે લડે છે, એ જ સાચો મિત્ર છે
.
હોય જ્યારે કામ, તો એ કામમાં આવે નહિ,
જે પછી આવી વઢે છે, એ જ સાચો મિત્ર છે.
.
છે ઘણી જાગીર એના નામ ઉપર, તે છતાં,
દોસ્તના પૈસે નભે છે, એ જ સાચો મિત્ર છે.
.
ચાર બેઠા હોય બાઇક પર ને આવે પાંચમો,
તોય જે આગળ ખસે છે, એ જ સાચો મિત્ર છે.
.
તારા જેવો મિત્ર હો તો શત્રુની છે શી જરૂર?
એવું તમને જે કહે છે, એ જ સાચો મિત્ર છે.
મિત્ર રાઠોડ