લેડીસ સ્પેશિયલ,
બધી બહેનોની એક ટેવ હોય છે, રીંગણને પાણીમાં ડૂબાડીને સમારવાની જેથી એ કાળાં ના પડી જાય. હવે ઘણી વખત એવું બને કે એકાદ રીંગણ બીજ વાળું આવી ગયું હોય અને એના ઝીણા બીજ પાણીમાં તરતાં દેખાતાં હોય. આપણે રીંગણા પાણીમાંથી નિતારીને લઈ લઈએ આદુ મરચાની પેસ્ટ નો વઘાર કરી એમાં રીંગણને સ્વાહા કરીએ પછી પેલું સહેજ કાળાશ પડતું પાણી ઢોળી દઈએ... તમને થશે હા બધા આવું જ કરે એમાં નવાઈ શી? નવાઈ એ કે હું આવું નથી કરતી.
હું એ કાળાં પાણીને માટીમાં, જ્યાં બીજા છોડ હોય એની બાજુમાં કે કોઈ કુંડામાં નાનો છોડ હોય એમાં નાખી દઉં છું! કેમ..? પૂછો પૂછો..?
કેમ કે એમ કરવાથી થોડાં દિવસો બાદ એક જાદુ જોવા મળે છે! કુદરતની કરામત પણ કહી શકો! જ્યાં એ પાણી ફેંક્યું હોય ત્યાં નાના નાના છોડ વિકાસ પામતાં દેખાય... મને તો એને જોઈને કોઈ અનેરી ખુશી મળે છે તમને પણ મળશે એક વાર ટ્રાય કરી જોજો ? એ નાના છોડ રીંગણના છે જે પાણીમાં કચરાની જેમ તરી રહ્યાં હતાં અને થોડાં મહિના બાદ એ તમને સરસ તાજા રીંગણ આપે ત્યારે કેવી ખુશી મળે એ મારે કહેવાની જરૂર છે?
આ વાત ખાલી રીંગણા પૂરતી મર્યાદિત નથી. કોઈ વધારે પાકી ગયેલું કે દબાઈ ગયેલું ટામેટું ફેંકી દીધા વગર એના ટુકડા કરી માટીમાં એકાદ બે સેન્ટીમીટર જેટલું ઊંડે દાટી દો... મનમાં તમારું મન પસંદ ગીત ગાઓ કે આવડતું હોય તો ભજન લલકારી દો... આખું નહીં તો બે ચાર લાઈન પણ ચાલશે.. થોડાં દિવસો બાદ ત્યાં ટામેટાના છોડ ઉગી નીકળે એને જોઈને ફરી ગીત/ ભજન ગાઈ લેજો... ઈશ્વર કે કુદરત પર શ્રદ્ધા વધી જશે! સર્જનહારે ફક્ત માણસોને જ એવી બુધ્ધિ અને શરીર આપ્યું છે જે બીજા જીવને વિકસાવી શકે કે નષ્ટ કરી શકે, તમારે શું કરવું છે?
પર્યાવરણની રક્ષા કાજે એવા ભારેભરખમ શબ્દો ના ગમતાં હોય તો પણ કોઈ વાંધો નથી, શાકભાજી ઘરે બેઠા મફત મળે એટલે રૂપિયા બચશે એમ વિચારો એ જરૂર ગમશે!
મરચા, કેપ્સીકમ, દૂધી, કાકડી, કારેલા, કંકોડા, પરવળ અને બીજ વાળા બધાં શાકભાજી તમે આ રીતે ખૂબ જ સરળતાથી ઉગાડી શકો.
કોઈ વખત વટાણા કે ચોળીના દાણા ફોલતા હોઈએ ત્યારે કેટલાંક દાણા, ખાસ કરીને આ સિઝનમાં એની સિંગમાં જ અંકુરણ પામેલા જોવા મળી જાય, સફેદ દોરા જેવું નાનકડું દાણામાંથી બહાર આવેલું હોય, એ દાણાને પણ તરત માટીમાં દબાવી દો અને પાણી આપતાં રહો.. બે ચાર દિવસોમાં જ છોડ ફૂટી નીકળશે!
લસણ, ડુંગળી પણ સીધા જમીનમાં રોપી ઉગાડી લો... આખો શિયાળો લીલું લસણ અને લીલી ડુંગળી ઘરે જ મળશે... થોડું ખાતર આપતાં હો તો સૂકું લસણ અને ડુંગળી પણ મળી શકે પણ એ મહેનત કરી શકે એવી સ્ત્રીઓ માટે છોડી દઈએ...!
મેથી, ધાણા, ચણા વગેરેના દાણાને રાત્રે પાણીમાં પલાળી સવારે જમીનમાં... એમાંથી પણ છોડ, બહાર લેવા જવાની જરૂર જ નહિ, પેટ્રોલના રૂપિયા અને એનાથી પણ કિંમતી સમય બચી જાય એ નફામાં.
ટુંકમાં આટલું કરો પછી તમને એની મેળે જ નવો શોખ જાગશે... ઘરે શાકભાજી ઉઘાડવાનો... અને એ શોખ કંઈ ખોટો તો નથી કોઇની આગળ એમ પણ કહી શકો કે અમે તો અમારાં ફાર્મમાં ઉગાડેલા શાકભાજી જ વાપરીએ, બહારના કેમિકલ્સ વાળા નહિ, પછી ભલે ને આપણું ફાર્મ છો સાત કુંડામાં જ સમેટાઈ જતું હોય.
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ