ગઝલ
====
પાંપણની નીચે આંસુઓની લાશ છૂપાવી લાગે છે,
આ મહોતરમાની આંખો આજે કેમ ગુલાબી લાગે છે !
જીવનથી હારી ગયેલાંને પૂછશો તો એ કહેશે નક્કી,
ઝાકળ છે આંસુ ફુલોનાં ને રાત રડેલી લાગે છે.
એ ભાતભાતના પુષ્પોની ખુશ્બુને વ્હેંચે ઘરઘરમાં,
મારા ફળિયાની મંદ હવા પણ વેદ ભણેલી લાગે છે.
તું એની ભાષાનો તરજૂમો કરવાનું શીખવાડ મને,
આ નાનાશા બાળકની આંખો કોઈ પહેલી લાગે છે.
ઓ દોસ્ત, સ્મરણમાં આવીને મુશ્કેલ કર નહીં જીવનને,
છે પૂર્ણ થવા કોશિશ મારી, ને જાત અધૂરી લાગે છે.
પ્રત્યેક સવારે સૂરજ સાથે આશા પણ ઉગતી ‘ચાતક’,
પણ સાંજ ઢળ્યે સઘળી ઘટનાઓ જોઈ-વિચારી લાગે છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
(http://www.mitixa.com/2014/2981.htm)