ભરી જામ એ ઝાંઝવાનો ધરી ગઈ !
મને આજ મિત્રો ! નદી છેતરી ગઈ !
નજર જ્યાં ગ્રહો પર એ મારા કરી ગઈ !
અફર જે હતી એ દશા પણ ફરી ગઈ !
કલમથી ઝરે ના હવે દોસ્ત ! તણખાં,
હૃદયમાં હતી આગ, એ તો ઠરી ગઈ !
ખબર છે મને કે ડૂબી એ કિનારે,
છે મઝધારને એમ, નૌકા તરી ગઈ !
હવે ફૂલની વાત કરવી નકામી,
ચમનમાં હતી એ કળીઓ ખરી ગઈ !
હતી ખૂબ લીસી, ન પકડી શકાણી,
ક્ષણો હાથથી મીન માફક સરી ગઈ !
હવે ‘રાજ’ શો ફાયદો જીવવામાં,
અમર જે હતી એ ય આશા મરી ગઈ !
‘રાજ’ લખતરવી