એક પહેલા વરસાદ સમી છોકરી હતી
ને સાવ સૂક્કો રેતાળ એક છોકરો
લીલુંછમ ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો.
સાવે વગડાઉ એક છોકરીની વાત કરે
સીધો સડાક એક છોકરો
વાદળીમાં ઘેરાતી છોકરીની વાત કરે
કોરાં આકાશ સમો છોકરો
નખશિખ ગુલાબી એક છોકરી હતી
ને એક કોરાં રૂમાલ સમો છોકરો
રંગીલું ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો.
આંખોથી પીધેલી છોકરીની વાત કરે
તરસી હથેલીને છોકરો
ગુલમ્હોરે ખીલેલી છોકરીની વાત કરે
બપોરે બળબળતો છોકરો
ધોધમાર ધોધમાર છોકરી હતી
ને સાવ પાણીમાં બેઠેલો છોકરો
અચરજનું ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો.
બે કાંઠે ઊછળતી છોકરીની વાત કરે
કોરો કડાક એક છોકરો
મધદરિયો વ્હાણ સમી છોકરીની વાત કરે
કાંઠે ઊભેલ એક છોકરો
નાળિયેરી પાન સમી છોકરી હતી
ને સાવ બાંધ્યા પવન સમો છોકરો
ગમતીલું ગીત એનું લખવા ધાર્યું છે
મને રસ્તો બતાવો એનો કોક તો
પછી ટહૂકાની ભાષામાં છોકરીની વાત કરે
મૂંગો રહેનાર એક છોકરો
પછી ઉમટેલાં પૂર સમી છોકરીની વાત કરે
માટીના કૂબા શો છોકરો
વહી જાતાં વ્હેણ સમી છોકરી હતી
ને એમાં ઓગળતો પીગળતો છોકરો
ભીના સંબંધ તણું ગીત મારે લખવું’તું
રસ્તો મળ્યો છે મને જોઈતો.
- તુષાર શુક્લ