હરિ! તમે તો સાવ જ અંગત
સાંભળજો આ મરજી
ઘણા મૂરતિયા લખી મોકલે
વિગતવાર માહિતી,
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !
હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં
હરિ, તમોને ગમશે?
જો હું બીજે પરણી જાઉં?
મને સીવી લે આખી એવો
બીજે ક્યાં છે દરજી?
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !
હરિ, તમારી જનમકુંડળી લખજો કોરા પાને
મારા ઘરના બધાય લોકો જન્માક્ષરમાં માને
હરિ,નાખજો માગું મૂશળધારે ગરજી ગરજી
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !
હરિ ! અમારા માવેતરને જોવા છે જમાઇ,
એક વાર જો મળી જાઓ તો
નક્કી થાય સગાઇ,
હરિ ! તમારે માટે જો ને મને રૂપ દઇ સર્જી
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી !
ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું
લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું
પછી તમારી ઘરવાળી હું, ને તમે જ
મારા વરજી !
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી!
કવિ : મુકેશ જોશી