કોણે કર્યા છે અમને નિષ્પ્રાણ રામ જાણે!
વીંધી ગયાં છે કોનાં આ બાણ રામ જાણે!
અંદરથી ઉદભવેલા ઉભરા ને ઊર્મિઓએ,
કંઈ કેટલું કર્યું છે ધોવાણ રામ જાણે!
પૂરાઈ ગઈ હતી સૌ સંબંધની તિરાડો,
કેવી રીતે થયું આ ભંગાણ રામ જાણે!
રસહીન છે રમત ને છે રંગહીન રમણા,
રહેવાનું તોય શાને રમમાણ રામ જાણે!
કોને ખબર છે ક્યારે પરિયાણ છે અહીંથી,
અહીંયા છે ક્યાં સુધીનું રોકાણ રામ જાણે!
- બાબુલાલ ચાવડા 'આતુર'