આજ તો વરસાદમાં છત્રીને શરમાવી દીધી,
આભની સાથે મેં મારી જાત વરસાવી દીધી
એ વીતેલી કાલના ગાતી રહી ગાણા અને,
હોઠ પર હળવેકથી મેં આજ ચીપકાવી દીધી
સહેજ ફણગાવીને મીઠો શબ્દ એની આંખમા,
મૌનની સૈકા પુરાણી ગાંઠ ખોલાવી દીધી
મેં જરી ઝુલ્ફો હટાવી કાનમાં એને કહ્યું,
એમણે આંખોને બીજે ક્યાંક સરકાવી દીધી
એક પખી જેમ થરથર ધ્રુજતી વરસાદમાં
હુંફના બ્હાને હ્રદયમાં આગ સળગાવી દીધી
સહેજ દૂરી રાખવા એને મથામણ પણ કરી
કઇ નાં ચાલ્યું બાહમાં હળવેથી સપડાવી દીધી
એક બીજાને અડકતા વહાલસોયા સ્પર્શથી
વાત મનની મૌનની ભાષાથી સમજાવી દીધી
એ મહોતરમાન ત્વચા પર સરકતા બુંદ જોઈ,
કૈક ઈચ્છા કેદમાથી આજ છોડાવી દીઘી
– નરેશ કે ડોડીયા