ભીંતે પાડ્યા કંકુના થાપા , ઓળંગ્યા ઉંબર બાપુ
લ્યો સંભાળો સાચવીને ,પાંચીકાના પથ્થર બાપુ
શેરી ફળીયુ ઓસરી મેલીને
વાટ લીધી છે લાંબી
પાંપણમા ઉંચકીને ચાલી
પાદર વગડા ને ખાંભી
સગપણ સહુ મેલ્યા છે, પાણીયારાની ઉપર બાપુ
.... ભીંતે પાડ્યા કંકુના થાપા....
માંડવડે મહેકી'તી મિઠાસ
એટલો જ મ્હોરશે મુંઝારો
ખડકી ડેલી ખાલી ખખડશે
ઉદાસ બનશે ઉતારો
સંકેલો સઘળુ ત્યારે , છાંટજો આંસુના અત્તર બાપુ
.... ભીંતે પાડ્યા કંકુના થાપા....
સહિયરુનો સાથ વિંટ્યો
પાનેતરના પાલવ સાથે
મહેંદીમા ઘોળીને મુકી
મહિયરની મમતા બે હાથે
આણામા લઇને જાવ છુ , આંગણના કંકર બાપુ
.... ભીંતે પાડ્યા કંકુના થાપા....
- સુધીર દત્તા