*સૃષ્ટિ*
ઓ.. માનવ..!
સ્વપ્ન સૃષ્ટિમાં
તું ક્યાં સુધી રાચતો રહીશ..?
અમી ધરા પર ધાર કાઢતો રહીશ..?
ક્યાં સુધી આમ રાત આખી જાગીને
ઝાકળની પરવા કરી મૃગજળ સમા
ખખડી ગયેલા સંબંધોને ચરણે
ઝુક્યાં કરીશ.?
તરસને બહાને
આંસુથી ભરેલો આંખનો દરિયો
ઉલેચતો રહીશ?
ચાલને જઈએ
બચપનમાં..!
મૈત્રીના
વસંતને
અડકી આવીએ..
માના સુવાળાં
મોરપીંછ સમા પ્રેમની
એક તખતી
મઢાવી દઈએ..
ક્યાં સુધી
હ્રદયની લાગણીને
આંસુના અરીસે શોધીશ?
ચાલને
ભાગ્યમાં રહેલા ખાલીપાને
સવાલ કરીએ..
જીવન મઝધારે
વહેતાં સમયને, પ્રેમનાં તાંતણે બાંધી,
ઈશ્વરની બલિહારી સમજી લઈએ..
ચાલને ફૂલ જેવી સ્ત્રીની મમતાને,
લગ્ન જીવનમાં સોનેરી
આશાઓથી
ચમકાવી
માણસાઈની મૌલાતથી
ભરી દઈ, સ્વપ્ન સૃષ્ટિ સજાવી દઈએ..
આરતી સોની @રુહાના.!
અમદાવાદ