હળવે હળવે વહ્યા કરે છે; સમય સમયનું કામ કરે છે,
ઘા પર જાણે હાથ ફરે છે; સમય સમયનું કામ કરે છે.
ખૂબ જતનથી વાવી, સીંચી જેને મોટું કર્યું હતું એ,
ઝાડ ઉપરથી પાન ખરે છે; સમય સમયનું કામ કરે છે.
જેની આંખો સપનાઓથી છલકાતી'તી એ જણ આજે,
ખાલીપાથી આંખ ભરે છે; સમય સમયનું કામ કરે છે.
મારી ગઝલો સાંભળવાનો જેની પાસે સમય નહોતો,
એય હવે તો કાન ધરે છે; સમય સમયનું કામ કરે છે.
જેની ઠોકર ખાઈ ખાઈ વરસો વીતાવ્યા'તા મેં એ
પથ્થરમાં થી રક્ત ઝરે છે; સમય સમયનું કામ કરે છે.
-હર્ષદ સોલંકી