થોડું સહન કર્યા કરો, થોડું દહન કર્યા કરો,
ભીતર સતત-સતત-સતત બસ ઉત્ખનન કર્યા કરો.
ભોજન કરી-કરી તમે ભોજો ભગત ન થઇ શકો,
થોડોક ભાવ કેળવી, થોડાં ભજન કર્યા કરો.
આ બોલવું-આ ચાલવું કેવળ એ જિંદગી નથી,
ચિંતન કર્યા કરો તમે, થોડું મનન કર્યા કરો.
એ શું કે માગવું સતત, લેવા જવું મફત-મફત !
ક્યારેક આપવાનું પણ થોડું વ્યસન કર્યા કરો.
જીવનમાં તોજ-તોજ તો આગળ વધી શકો તમે,
થોડી કથા કર્યા કરો, થોડું કથન કર્યા કરો.
'નિનાદ' બા'ર તો જુઓ ! છે મસ્ત-મસ્ત જિંદગી,
ઘર-કૂકડા બનીને શું ગઝલે-ચમન કર્યા કરો !
- નિનાદ અધ્યારુ