ગમતી ન'તી એવી દશાનો થૈ ગયો,
હું જ્યારથી તારો દિવાનો થૈ ગયો.
તોફાન તેં કેવી ઘુમાવી નાઁવને,
ઉત્તરથી હું દક્ષિણ દિશાનો થૈ ગયો.
હે મુર્ખ મન કેવો ફસાવ્યો તેં મને,
મારો મટીને હું બીજાનો થૈ ગયો.
મોંઘી દવા કૈં કામ ના આવી મને,
સારો થયો તો હું દુવાનો થૈ ગયો.
મારી તરસ વ્યાપી હતી ભીતર સુધી,
જળ ના મળ્યું તો ઝાંઝવાનો થૈ ગયો.
સામેથી આપ્યો આવકારો એમણે,
હું બે ઘડી તો બારણાનો થૈ ગયો.
પતવાર છું "સાગર" ગજુ મારૂં શું છે!
જ્યાં જેવી ચાલી એ હવાનો થૈ ગયો.
રાકેશ સગર,સાગર,વડોદરા