સાઈબરકાફે તીરથ મારું, ઈન્ટરનેટની દાસી રે,
કહે રાધિકા ડૉટકૉમથી કૃષ્ણ – કનૈયો રાજી રે.
મીસકૉલ તો ઘણા કર્યા પણ વળતો કૉલ ના દીધો રે,
એસએમએસ કરીને થાકી શામળિયે ના લીધો રે.
રીંગટોન બજતાંની સાથે, ઊંઘથી ઊઠી સફાળી રે,
સાઈબરકાફે તીરથ મારું, ઈન્ટરનેટની દાસી રે,
કહે રાધિકા ડૉટકૉમથી કૃષ્ણ – કનૈયો રાજી રે.
જ્યારે જ્યારે યાદ આવું તો રીંગટોન વગાડે રે,
સેલફોનથી સવાર પડતું શામળિયો જગાડે રે,
મો-બાઈનો નેડો લાગ્યો, બાંસુરીને છોડી રે,
સાઈબરકાફે તીરથ મારું, ઈન્ટરનેટની દાસી રે,
કહે રાધિકા ડૉટકૉમથી કૃષ્ણ – કનૈયો રાજી રે.
– હરીશ વટાવવાળા