પુત્ર ને પુત્રવધૂ બંને કામ કરે છે.
વ્યસ્ત પણ ને મસ્ત પણ
( ને થોડાંક અસ્તવ્યસ્ત પણ ?)
સવારે જાય ટીફીન લઇને
ગરમ રહે ને ગરમ કરાય એવું ટીફિન લાવી છે એમની મમ્મી
( પણ કરતાં નહીં જ હોય , જાણુંને )
સાંજે સાથે જમવા રાહ જોઉં ,
કામ જ એવું છે કે મોડું થાય.
એમની મમ્મીને ડોક્ટરે
બહુ મોડેથી જમવાની ના પાડી છે
એટલે એ જમી લે છે.
હું રાહ જોઉં
મોડું થાય કે તરત અમારા પારિવારિક whatsapp group માં સંદેશ આવે
મોડું થશે , જમી લેજો .
ને તોય હું રાહ જોઉં.
પછી સામો સંદેશ મોકલું
કેટલે ?
જવાબ આવે
રસ્તામાં
કે
હજી વાર લાગશે
ચાવી છે ,
પણ અંદરથી સ્ટોપર ન મારતા
ને હું જમીને રુમમાં લંબાવું
દૂધનો ડબ્બો મૂકીને
પત્ની સૂઇ જાય
હું ટીવી ચાલુ રાખું
લીફ્ટનો અવાજ આવે એ પત્નીને નીંદરમાં ય સંભળાય
ઘરનો દરવાજો ખૂલે
છોકરાંઓ બેડરુમનો દરવાજો ખોલી
મોં દેખાડી દે
આવી ગયા.
જમ્યા ?
હા , જમી લીધું છે
અથવા
ના, બાકી છે
Good night ની આપ લે થાય
દરવાજો બંધ થાય
આ રુટિન હવે ફાવી ગયું છે
મને ચેન પડે કે
છોકરાં આવી ગયાં
ને એમને ખાત્રી થાય કે
પપ્પા રાહ જૂવે છે.
પુત્ર ને પુત્રવધૂ બંનેને એની જાણ છે.
ને બંને આટલું કરે જ .
મને યાદ છે
મોડું થાય ત્યારે મમ્મી રાહ જોતી સૂવે
પપ્પા ન જાણે એમ
દરવાજો અમસ્તો આડો રાખે
ને આગળિયો ઊંચો.
એમ કરવાથી
જેની રાહ જોતાં હોઇએ એ
સાજાનરવા જલદી આવે.
અમે આવીએ એટલે હળવેકથી ઊઠીને પાણિયારે દીવો કરીને પાછી સૂઇ જાય.
કોઇ સવાલ જવાબ વગર .
ને પપ્પા જાણવા છતાં અજાણ બને,
પણ સૂવે તો અમે ઘરમાં આવીએ
એ પછી જ.
કેટલી ય રાતો એ જાગ્યા હશે.
ત્યારે ઘરમાં ટેલીફોન ન્હોતો.
આજના જેવી સગવડ હોત તો એમને ધરપત તો રહેત
પણ
એ ઊંચો આગળિયો
ને
એ પાણિયારે દીવો
પણ ન હોતને !
મમ્મી પપ્પાની ટેવ ઉતરી છે વારસામાં
અલબત્ત
મોબાઇલફોન છે એટલે રાહત છે
પણ હવે ઘરના દરવાજે આગળિયો નથી
ને રસોડે પાણિયારું ય નથી.
માત્ર રાહ જોવાનું ચાલુ ંછે .