ચાની સંગાથે એવા ઉકાળ્યા
"વેચીશ હું ચા, નહીં વેચું હું દેશને"
સામા કૈં વ્હોણને ખાળ્યા.
ચાની સંગાથે જબરા ઉકાળ્યા .
ખાતાં'તાં ખાંડ જે, એ નાખીને ચા મહીં
કીધું કૈં એવું તો જાદૂ
ફાયદાના ફૂદીનાનો સ્વાદ ગયો ઊડી
થયું ફીક્કું અપેક્ષાનું આદુ
ચૂંટણીના ચૂલેથી હેઠા ઉતારીને
જનતાએ ગરણીએ ગાળ્યા.
ચાની સંગાથે જબરા ઉકાળ્યા
કોકને મોઢેથી ગયો પ્યાલો છૂટી
ને વળી કોકે ગૂમાવી કટીંગ
નાત અને જાતની અડાળી ય ગઇ
ને ગયાં ધરમને નામે ધતીંગ
હોઠ સુધી આવેલાં માન્યા'તા પ્યાલા
એને જનતાએ ફરી પાછા વાળ્યા
ચાની સંગાથે જબરા ઉકાળ્યા
કોણીએ લાગેલા ગોળને તે કેમ કરી
લંબાવી જીભ, શકો લૂછી ?
ઘરના રહ્યા નહીં ન ઘાટનાં રહ્યાં
એની હાલત ન જાય હવે પૂછી
ચાથી તો ઝાઝી તપેલી તપેલી
એણે હૈયું ને હાથ બેઉ બાળ્યાં.
ચાની સંગાથે જબરા ઉકાળ્યા
- તુષાર શુક્લ