આ કોઈ બગીચાનો છોડ નથી પણ એક વગડાઉ વનસ્પતિ છે જેની ખાસિયતો અદભુત છે. આ જાંઝરાને એક પણ પાંદડુ નથી હોતુ, ૠતુમુજબના વરસાદ સિવાય એને કદિ પાણીની જરૂર નથી, અને એની જિજીવિષા એટલી બધી બળવાન છે કે એને જમીની સ્તરથી કાપી નાંખવામાં આવે તો પણ થોડા જ દિવસોમાં એ પાછુ ફુટી નીકળે છે!
એના પર નાનકડા અને અતિ સુંદર લાલ રંગના ફૂલો બેસે છે જે ગમેતેટલા ઉંચા તાપમાનમાં પણ દિવસભર હસતા રહે છે. અને એના પર લાગતા ચણીબોર જેવડા ફળોને ચૂંટીને એમાથી તૈયાર કરવામાં આવતા અથાણાંથી ગરીબમાં ગરીબ પરિવાર પોતાના ખોરાકને આધાર આપી શકે છે કારણ કે એને માટે માત્ર છાશ મીઠું અને હળદર એ ત્રણ ચીજોની જ જરૂર પડે છે!!