એક પછી એક સતત...
ખુલતૂ જતું આયખાનું પડ અને
રોજબરોજ ટકોરા મારી જગાડતી સમસ્યાઓની સવાર.
મારામાં કશોક સળવળાટ લઇને આવે,
ને ઓચિંતા પડઘા પાડે.
ફરી પાછું એ જ પ્લાસ્ટિકિયૂ સ્મિત લઇ દોડવાનું,
ચહેરાઓનાં જંગલમાં ફરવાનું,
ને અર્થહિન જવાબોની અપેક્ષામાં
સાવ ખોટે ખોટું 'કેમ છો?' પૂછવાનું.
વેંત એકના ખિસ્સા સારુ જોજનો લાંબુ કૂદવાનું,
ને જેમા ચાંચ સરખી ડૂબતી ન હોય
એવા વિષયોમાં આખેઆખું ડૂબવાનું.
કરચલી બની ગયેલાં ચહેરાઓમાં
અજંપો, અસંતોષ અને વિહ્વળતા
જોઈને લાગે, કે સાલું
આ માટે જ જીવતર આખું ટળવળવાનું ?
રામ રાજ્યના સપના લઇ,
આજ નહિ તો કાલે ના અભરખા લઇ,
થઈ જશે, સારુ છે, કંઇ વાંધો નહિ,
સવારથી સાંજ સુધી, દિવસથી રાત સુધી,
બસ આમ જ આખેઆખું લોથપોથ થવાનું.
શિયાળામાં સ્વેટર લઇ થિજવાનું,
ને ચોમાસેે છત્રી હેઠળ ગળવાનું
પોતીકા કોણ ને કોણ છે પરાયા
એની પળોજણમાં ગામ આખુ ફરવાનું.
ઊગી નીકળેલા સપનાઓને સમયની એરણે કાપવાના,
પછેડી પ્રમાણે પગ પસારવાના
અહિં રામ આવતા નથીં, ને શબરીને બોર ભાવતા નથીં.
હૈયાની વરાળ 42 ડીગ્રી તાપમાં
કેમેય કરીને સહન થાય નહિ.
એમા વળી ભર બપોરે તું હરખાય નહિ.
શ્વાસ અંદર જઇ ફેફસા સળગાવે
ને ઉપરથી ઓક્સીજન લેવાની ટેવ
તેથી બળતાંમા ઘી હોમાય.
રાત પડે પછી જો ચિંતા જડે,
તો આખુંય આકાશ કરડવા દોડે.
તારો ચહેરો નજર સામે આવે,
અને એક સ્મિત તારું
મારી આંખોના ઉજાગરાને શમાવે.
ઉંઘ ગાલિચાથી આવતી નથીં,
ને ભૂખ થાળી જોઇ લાગતી નથીં.
બે ચાર લીલા સંબંધો માટે,
નિખાલસ સ્મિત,
અને ઉઝરડા વિનાના માણસો માટે તપ ધરું છું,
ને આમ જ બસ રોજ બરોજ આંખ ખૂલતાની સાથે
ફરી-ફરી અવતરુ છું.