એકાદશી ના જય સ્વામિનારાયણ બધાંને... સંપ્રદાયમા ઘણા ભક્તોને આ કિર્તન મોઢે હોય છે. ઘણા હરીભક્તો આ કિર્તનને નિત્ય ગાય છે. આવો થોડોક ઇતિહાશ સમજીએ. ગઢપુરના દાદાખાચરના પ્રથમ લગ્ન કુમુદાબા જોડે થયેલાં. ખાસ્સો સમય થયો હોવા છતાંય તેમને કશુ સંતાન ન થયું. એટલે દ્રેશિલા લોકો, દુરીજન એમને મહેણા મારતા કે દાદાની પાછળ એમનું ધન ખાનાર કોઇ છે જ નહી... એમને ક્યાં કંઇ સંતાન છે. એટલે મહારાજના ભક્તોને કોઇ આવું કહે એ મહારાજ સહન નહોતાં કરી શકતાં. એટલે એક વખતે મહારાજે કુમુદાબાને કહેલું કે દાદાખાચર બીજા લગ્ન કરે તો તમે રાજી ખરા...?
કુમુદાબાઇ બોલ્યાં કે મહારાજ મને કાંઇ વાંધો નથી પણ પતિદેવ આ વાત નહી માને. મહારાજ કહે કે એમની જોડે વાત અમે કરી લેશું પણ આ વાત તમે પણ એમને સમજાવજો. આ સંવાદનો ઉલ્લેખ હરીલીલામૃત મા સરસ છે. કુમુદાબાએ દાદા ને ઘણુ સમજાવેલું કે આપણો દરબાર સત્સંગનો આધાર છે. આપણા પછી આ નું શુ થાશે. બહુ વિસ્તાર વાળી વાત છે. તેમ છતાંય દાદા માન્યા નહી. પછી મહારાજે સમજાવેલા. ત્યારે દાદા એ કહેલું કે હું લગ્ન તો કરુ પણ મને સંસારમા બંધન તો નહી થાય ને... ? મહારાજ કહે કે આ જીવને સંસારના મોહપાશ માથી છોડાવનાર જ હું છું. હું તને બંધન નહી થાવા દઉ. પછી દાદાખાચરની જાન લઇ, મહારાજ ખુદ એમના સારથી બની અને ભટવદર પરણાવા સારું ગયેલાં. ત્યાં નાગપાલ વરુ ની ક્ન્યા નામે જસુબાઇ સાથે દાદાખાચરના લગ્ન થયેલાં.
વિવાહ સંપન્ન થયો, જાન ગઢડે આવી. પછી પેલી કાંઇક રમત રમવાની વીધી હોય એહ આદીક પુરી કરી, મીંઢોળ છોડ્યાં. પછી નવદંપતી મહારાજના આશિર્વાદ લેવા પંહોચ્યાં. લીલુડા લીમડા નીચે મહારાજ બેઠા છે. નવદંપતી મહારાજને પગે લાગ્યા. મહારાજે કહ્યું કે અમે દાદાખાચરને તો વરદાન આપી દીધા છે. હવે જસુબાઇ તમારે શું જોઇએ છે એ માગો. પછી જસુબાઇ બોલ્યાં એ આ કિર્તનમા નોંધાયેલું છે.
મારા ચુડી અને ચાંદલાને અખંડ રાખજો મહારાજ. મારો ચાંદલો ક્યારેય ભુંસાઇ નહી, મતલબ કે મને વિધવાપણુ પ્રાપ્ત ન થાય એ વરદાન આપો. બીજું વરદાન એ માંગુ છુ મહારાજ કે અમારે ઘરે કાયમ સંતો રહે, અને નિત્ય તમારા ગુણલા ગવાય, દેશોદેશના સત્સંગી કાયમ અમારે ગઢપુરમા આવે. હાલ પણ ભક્તો ગઢપુરમા સત્સંગી આવવાનું કાયમ ચાલું જ હોય. અને દાદાના દરબાર અવારનવાર ભક્તો કથા બેસાડતાં હોય અને તેમા દેશોદેશથી ભક્તો આવી અને અખંડ મહારાજના ગુણલાં ગાતા હોય છે. કોઇ સત્સંગી એવો નહી હોય કે જેને ગઢપુર ના જોયું હોય.
પછી જસુબાઇ બોલ્યા કે મારા ઘરે કાયમ તમે ગઢપુરમા રહો, ગઢપુરને ઘર માનો, આ બધી સંપતી તમારે અર્થે થાય. રાજપાટ, ગામ જે છે એ બધું તમારું કરો મહારાજ.
વળી આ મારી નણંદો જે છે, જયા, લલિતા, રમા અને પંચાળી તેને હું કાયમ મુક્ત સમજું. મને એમનો અભાવ ક્યારેય ન આવે. મને એમના પ્રત્યે ક્યારેય દ્રેશ ન થવા દેશો મહારાજ. અમે બધાય ભેગા મળી તમારી ઉપાસના કરીએ નાથ. વળી અમારા ગઢપુરમા મોટું મંદીર કરો. અને કાયમ એમા વાશ કરીને રહો. અને એમા વાસુદેવની મુર્તિ પધરાવો પ્રભું. વળી આ લોકની સુખ સંપત્તિ મને આપી મારા કોડ પુરા કરો. હવે જોરદાર આવે છે, "દુરીજન નું મેણું ઉતારવા, પ્રભુ આપજો પુત્રની જોડ, માગુ વર નાથજી..." હે મહારાજ, દુષ્ટ લોકો જે વાંજિયાપણાના મેણા મારે છે એ મેણા અમારે માથે થી ઉતારો પ્રભુ...! પુત્રની જોડ, બે પુત્રો આપજો મહારાજ...