તું નકામું થાકવાનું બંધ કર,
ઘર બરફનું બાંધવાનું બંધ કર.
છીપ શબ્દોની ય ખાલી હોય છે,
અર્થ મોતી શોધવાનું બંધ કર.
શું થયું ને શું થશે ક્યારે થશે?
આમ ઝીણું કાંતવાનું બંધ કર.
ફાનસો ભેગા કરી બાંધ્યું નગર,
અશ્રુઓ ત્યાં વાવવાનું બંધ કર.
મોતને હશે ગરજ તો આવશે,
એ દિશામાં તાકવાનું બંધ કર.
હસ્તરેખા પણ પસીને ચમકશે,
તું મફતનું માંગવાનું બંધ કર.