વિરહિણી
ચૈતર ચંપો મ્હોરિયો,
ને મ્હોરી આંબાડાળ,
મઘમઘ મ્હોર્યા મોગરા,
મેં ગૂંથી ફૂલનમાળ.
જૂઈ ઝળુંબી માંડવે,
ને બાગે બાગે ફાલ,
તું ક્યાં છો વેરી વ્હાલમા ?
મને મૂકી અંતરિયાળ !
આ ચૈતર જેવી ચાંદની,
ને માણ્યા જેવી રાત,
ગામતરાં તને શેં ગમે ?
તું પાછો વળ ગુજરાત.
કોયલ ફૂજે કુંજમાં,
ને રેલે પંચમસૂર,
વાગે વન વન વાંસળી,
મારું પલ પલ વીંધે ઉર.
અવળું ઓઢયું ઓઢણું
ને મારા છૂટ્ટા ઊડે કેશ,
શું કરું નિર્દય કંથડા !
મને મારગ વાગે ઠેસ.
જોબનને આ ધુપીયે,
પ્રીત જલે લોબાન,
રત આવી રળિયામણી,
મારાં કોણ પ્રીછે અરમાન ?
નારી ઉર આળું ઘણું,
બરડ કાચની જાત,
તું જન્મ્યો નરને ખોળીએ,
તને કેમ સમજાવું વાત ?
સમજી જાજે સાનમાં,
મને બાંધી લેજે તોલ,
હોય ઇશારા હેતના,
એના ના વગડે કંઇ ઢોલ !