"અલ્યા કનિયા, તારા બાપાએ ઓણ ખેતરમાં શું કર્યું'તું..? હજુ પાપડી નઈ લાવ્યો હોં.. અને એય જીતુડા, બટેકા કેમ ના લાવ્યો..? આ તમારે પરીક્ષામાં પાસ થવું છે કે આ જ ધોરણમાં પડ્યા રે'વું છે..?" કાઠિયાવાડના અંતરિયાળ ગામડાંના નળિયાંવાળા વર્ગમાં વાર્ષિક પરીક્ષાના પેપર ફેંદતાં ભગા માસ્તર બરડ્યા, ત્યાં જ તેમનો મોબાઈલ રણક્યો, "તે શું..? અલ્યા ભૂરીયા, તું ફરી ફેલ થ્યો... આ તારો બાપો આમ લોહી પાણી એક કરી કમાય અને તું આમ...!!" પવનની ગરમ લહેરખીમાં પણ વર્ગનાં નિર્જીવ નળિયાં ખડખડાટ હસી પડ્યાં..!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)