કાલથી એક મહિનાનું વેકેશન પડશે તે સાંભળી સરકારી પ્રાથમિક શાળાનાં બધા જ વિદ્યાર્થીઓ ખુશખુશાલ હતા, પણ પાંચમા ધોરણમાં ભણતો શાળાનો સૌથી ડાહ્યો અને હોશિયાર વિદ્યાર્થી મોહનનો ચહેરો ઉદાસ હતો. "કેમ તું ઉદાસ છે?" શાળા બહાર નીકળતાં ભાઈબંધ વિશ્વાસના આ સવાલ સામે ક્યાંય સુધી મૌન બની રહી મોહન ખચકાતા શબ્દે બોલ્યો,"વેકેશન....એટલે મધ્યાહન ભોજન પણ નહીં મળે...એક મહિનો પેટભરી ખાવાની બીજી વ્યવસ્થા કરવી પડશે..!" મોહનના શબ્દોથી શાળા બહારની અરધી તૂટેલી દીવાલ પણ અંદરથી ધ્રુજી ગઇ..!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)