આજે ફરી તે જ શાક માર્કેટમાં સૌરભ મળ્યો.વર્ષોથી સુકાભટ રણમાં ક્યાંકથી કાળી ડિબાંગ વાદળી ઘેરાઈ. એકબીજાએ સામસામે સ્મિત ફરકાવ્યું.પચ્ચીસ વર્ષ પછી આ જ જગ્યાએ ફરી મુલાકાત થઇ, પણ એક નજરે બંને એકબીજાને ઓળખી ગયા. લહેરાતા કાળા વાળની જગ્યાએ આવેલી સફેદ ગૂંચ અને કરચલીભરી ચામડી એકેયનું તપોભંગ ના કરી શકી તે વિચારથી ઘેરાયેલા વાદળોનો ગડગડાટ સંભળાયો. એકપણ શબ્દ બોલ્યા વિના એકબીજાની નજરોથી સઘળું કહી દેતાં વર્ષાની ઝડી વરસી રહી. ઘડીભરમાં પાછા બેવ છૂટા થયા, સૂકી માટીમાં વર્ષાથી આવતી ભીની ખુશબોથી હું તરબોળ થઈ..!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)