ફ્રેબ્રુઆરી મહિનાનું આ સપ્તાહ એટલે અલગ અલગ પ્રકારના દિવસો ઉજવવા. ભલે આ બધા દિવસો ખિસ્સા ખાલી કરવાના દિવસો હોય. પણ આ બધા જ દિવસોમાં આજનો દિવસ એક પણ રૂપિયો ખર્ચ્યા વિના, દિલને અઢળક આનંદ આપતો દિવસ છે. ચોકલેટ ડેમાં આપેલી ચોકલેટનો સ્વાદ મિનિટોમાં જતો રહેશે, ટેડી ડે ના દિવસે આપેલું ટેડી પણ થોડા સમય બાદ પિંખાઈ જશે. પ્રોમિસ ડે ના દિવસે આપેલા પ્રોમિસ ડેની પણ કોઈ ગેરેન્ટી નથી. પણ આજનો આ હગ ડે એટલા માટે સ્પેશિયલ છે કે આજના દિવસે કોઈ પ્રિય વ્યક્તિની મળેલી હગ ભલે ક્ષણવાર માટે હોય પણ આનંદ વર્ષો વર્ષ સુધીનો આપી જાય છે. કિસ્મતવાળા હોય છે એ લોકો જેને આજના દિવસે પોતાની ગમતી વ્યક્તિની હગ મળતી હોય છે.
હગ કરવાથી માત્ર બે શરીર ભેગા નથી થતા. બે આત્માઓ પણ ત્યારે સ્પર્શે છે. આંખોમાં એક અલગ જ ચમક વ્યાપી જાય છે. મનમાં થાય ત્યારે કે આ સમય અહીંયા જ થંભી જાય. પણ એવું થઈ શકતું નથી. મનમાં રહેલો ગુસ્સો, દ્વેષ, ખોટા વિચારો બધું જ જાણે એક હગ સાથે ક્યાંય ખોવાઈ જાય છે. આ હગ માત્ર એક પ્રેમી કે પ્રેમિકા વચ્ચેની નહીં. તમને ગમતી દરેક વ્યક્તિ સાથે માણી શકાય છે. "મુન્નાભાઈ MBBS" ફિલ્મના એક દૃશ્યમાં ફિલ્મનો નાયક ફર્શને સાફ કરતાં ચપરાશીને જ્યારે હગ આપે છે ત્યારે ગુસ્સે થયેલો એ ચપરાશી પણ ભાવુક થઈ જાય છે. આ ફિલ્મમાં હગને "જાદુકી જપ્પી"નામ મળ્યું. એક જાદુકી જપ્પી આપવાથી સામેની વ્યક્તિમાં ઘણું બધું બદલાઈ શકે છે. એ એનો ગુસ્સો હોય કે તમારા માટે એના મનમાં રહેલી ખરાબ ભાવના. બધું જ એજ ક્ષણે દૂર થઈ જાય જ્યારે તમે એને પ્રેમથી હગ આપો. આપણાં દેશમાં હજુ કેટલાક બંધનો અને કેટલીક આંખોની શરમના કારણે જાહેરમાં હગ કરતાં લોકો અચકાય છે અને એટલે જ અહીંયા મૂંઝાયેલા ચેહરા પણ વધુ જોવા મળે છે. જ્યારે વિદેશમાં ખુલ્લા દિલે અને જાહેરમાં જ લોકો એકબીજાને ભેટતા હોય છે અને એટલે જ એ લોકો હંમેશા પ્રફુલ્લિત રહેતા હોય છે.
આજના દિવસે બસ કહેવાનું એટલું જ થાય કે તમારા ગમતાં વ્યક્તિને ગમે ત્યારે હગ કરવાનો મોકો મળે તો ક્યારેય ચૂકશો નહિ. એ માટે કોઈ હગ ડેની રાહ પણ ના જોતા ! એ તકને ઝડપી લેજો.
- નીરવ પટેલ "શ્યામ"