'#બકેટ_લિસ્ટ ' ગઈ કાલે નેટફ્લિક્સ પર જોયું. લગભગ ૨૫/૦૫/૨૦૧૮માં રિલીઝ થયેલું. માધુરી દીક્ષિતની પહેલી મરાઠી ફિલ્મ. જેમાં માધુરી એક સફળ ગૃહિણી અને આદર્શ વહુ,માતા અને પત્ની છે.
વિશ લિસ્ટ શબ્દ સાંભળ્યો છે આપણે, આ છે બકેટ લિસ્ટ. બકેટ લિસ્ટ એટલે મરતાં પહેલાં પૂરી કરવાની તમારી ઇચ્છાઓ. ખાસ ઈચ્છાઓ.
એક એક્સિડન્ટમાં વીસેક વર્ષની છોકરીનું મોત થતાં તેની ઈચ્છા મુજબ તેના અંગોનું દાન કરવામાં આવે છે અને તેના થકી આઠ વ્યક્તિઓને જીવતદાન મળે છે. આ અંગો પૈકી તે છોકરીનું હ્રદય માધુરીને મળે છે. એક નવી જિંદગી મળ્યા પછી માધુરી ફરીથી પોતાના દૈનિક કાર્યોમાં લાગી પડે છે. પણ એક દિવસ અચાનક એને એ છોકરી વિશે જાણવાની ઈચ્છા થાય છે અને તે કોઈ પણ રીતે પોતાના ડોનર વિશે માહિતી મેળવી તેના ઘરે પહોંચી જાય છે. ત્યાંથી એ જે કંઈ જાણે છે એ એના જીવનમાં ઘણા નવા અનુભવો લઈ આવે છે.
એક છોકરીનું અકસ્માતે મોત , એના અંગોનું દાન અને પાછળ રહી ગયેલી એ છોકરીની અધૂરી ઈચ્છાઓ...જેને પૂરી કરવાનો પ્રયત્ન ચાલીસી વટાવી ચૂકેલી મધુરા એટલે કે માધુરી દીક્ષિત કરે છે.આ અધૂરી ઈચ્છાઓની પૂર્તિ કરતાં કરતા માધુરી પોતાને મળે છે. તેના પરિવારમાં તેના માતા પિતા, તેના બાળકો, પતિ, સાસુ સસરા, તેની વડ સાસુ અને પેલી છોકરીના માતા પિતા, તેનો જોડકો ભાઈ અને તેના મિત્રો આ દરેક તેના આ કાર્યમાં ક્યાંક ને ક્યાંક મદદ કરે છે તો ક્યારેક એ જ લોકો સાથે તેને સંઘર્ષમાં પણ ઉતરવું પડે છે.પણ આખરે માધુરી એ બકેટ લિસ્ટ પૂરું કરી શકે છે.
ખૂબ સરસ માવજત સાથે ઓછા બજેટની પ્રાદેશિક ફિલ્મ તરીકે આ એક સફળ ફિલ્મ છે. ચાલીસી પછીના ઉંમરના એક પડાવ પર રહેલી ગૃહિણીના મનોભાવો અને એ પછી વીસ વર્ષની યુવતીના હ્રદયની સફરને માધુરી સફળ બનાવી શકી છે. અભિનયમાં તો એને કહેવું જ ના પડે!
ડાયરેકટર તેજસ પ્રભા અને વિજય દેઓસ્કરે ખરેખર ખૂબ જ સારી ફિલ્મ બનાવી છે. એક વાર જરૂરથી જુઓ. માધુરી સાથે સુમિત રાઘવન અને રેણુકા શહાણેનો પણ દમદાર અભિનય અહીં જોવા મળશે.
#Netflix
#bucket_list
#review
#Madhuri_Dixit_Nene
#first_film
#Marathi_film