એક વાત
આજે એક નાનકડી ઘટના વાંચી છાપામાં,
એમાં વાત એવી હતી કે, એક છોકરી ઘરેથી ભાગીને લગ્ન કરી લે છે. ઘરપરિવાર સાથેનો સંબંધ તોડી બીજા સાથે સંબંધમાં બંધાય છે. એના માબાપ દીકરી સાથેનો બધો વ્યવહાર કાપી નાખે છે. છોકરી એના નવા પરિવારમાં ગોઠવાઈ જાય છે. થોડો વખત જતાં એને એક સમારોહમાં એનો ભાઈ મળી જાય છે. બહેનને જોઈને ભાઈના મનમાં ઘણી સ્મૃતિ તાજી થાય છે અને, “કેમ છે ગુડ્ડી?” એટલું એનાથી પુછાઇ જાય છે. બહેનની આંખો વરસી પડે છે. બંને ભાઈ બહેન થોડી વાતો કરે છે, એકબીજાની સાથે ફોટા પાડે છે એમના મોબાઈલમાં અને પછી જ્યારે છૂટા પડે છે ત્યારે ભાઈ કહે છે,
“પેલો ફોટો પાડ્યો ને, આપણો સાથે, એને ક્યાંય અપલોડ ના કરતી.”
ભાઈના દિલમાં બહેન માટે અપાર લાગણી છે...એને મળવામાં કોઈ વાંધો પણ નથી છતાં, મનમાં એક ડર છે, કોઈ જોઈ જશે તો? ઘરે ખબર પડી જશે તો ? અને આ બધામાં ક્યારેક વિલન બની જાય છે ફોટોગ્રાફ્સ. કોઈની સાથેના આપણા ફોટા કોઇક જુએ તો સારું અને કોઇક ના જ જોવું જોઈએ...! એમાં જ આપણી સલામતી હોય!
કોઈની સાથે સંબંધ સારો હોય તો એની સાથે ઢગલો ફોટા પાડીને અપલોડ કરો, લોકોની likes અને વાહ વાહ કરતી કૉમેન્ટ્સ વાંચીને થેંક્યું...કહેવામાં મજા આવે! હવે ધારો કે એ જ વ્યક્તિ સાથેનો સંબંધ તૂટી જાય ત્યારે..? પેલા જૂના અપલોડ કરેલા ફોટા પીડાનું સરનામું બની જાય! ફોટો તો એનો એજ હોય બદલાય ખાલી સંબંધ, સંજોગ અને તોય છેલ્લે એ ફોટો આપણે ડિલીટ કરીને જ જંપીએ...
કોઈની સાથેનો ફોટો કચકડામાંથી ડિલીટ કરીએ એટલે મનમાંથી પણ ડિલીટ થઈ જાય? તમારા બધાનો જવાબ મને ખબર છે, “ના”, તો? બીજું તો શું થોડાં સંબંધ સાચવતા શીખીએ...આપણે જ બનાવેલા સંબંધ આપણે જ તોડવાના શું કરવા આવે....!
યાદ રાખજો સાયન્સે હજી આપણી ના ગમતી વ્યક્તિઓને આપણા જીવનમાંથી ડીલીટ કરી દઈએ કે ગમતી વ્યક્તિઓને ડાઉનલોડ કરી લઈએ એવું કોઈ એપ બનાવ્યું નથી, શોધ્યું નથી એટલે જૂના અને જાણીતા માણસો સાથે સંબધ જાળવી રાખવો... એટલિસ્ટ એના ફોટા ડીલીટ ના કરવા પડે એટલો તો જાળવવો જ..!!
નિયતી કાપડિયા ?