ટમેટા ખૂબ જ લોકપ્રિય ફળ છે જે ઘણા બધા ખોરાકની અંદર વપરાય છે (આપણે પણ ઓળખતા કે જાણતા નથી કે કોની અંદર ટમેટા વપરાય છે). વિશ્વના લોકપ્રિય ફાસ્ટ ફૂડમાં મોટાભાગે ટમેટા સીધી કે આડકતરી રીતે વપરાય છે, ઉદાહરણ તરીકે સલાડ સિવાય તે કેચઅપ, સોસ, પ્યુરી, વગેરેમાં હોઈ છે. આપણામાંથી કેટલા લોકોએ ટમેટાના ફૂલ જોયા છે?
ટમેટા મૂળ દક્ષિણ અમેરિકાના વતની છે. તે સ્પેનિશ લોકો દ્વારા ફેલાયા જ્યારે તેઓએ 15મી સદીમાં અમેરિકા પર વિજય મેળવ્યો. હવે તેનો વિશ્વભરમાં વ્યાપ વ્યાપારીક ધોરણે વધતો જાય છે. ટમેટામાં વિવિધ જાતો જોવા મળે છે. તેનું બોટાનીકલ નામ Solanum lycopersicum છે. તે Solanaceae કુળની વનસ્પતિ છે. ગુજરાતમાં આપણે તેને ટમેટા તરીકે ઓળખીએ છીએ.
ટમેટા એક વર્ષાયુ છોડ છે જે વેલાની (અથવા ટટ્ટાર ઝાડવા) જેમ વધે છે. છોડ રુવાંટીયુક્ત (પ્રકાંડ અને પર્ણ બંને) અને ખૂબજ સરસ સુગંધ વાળો હોય છે. પર્ણ પિંછાકાર, પર્ણીકાઓ દંતુરીત હોય છે. ફૂલો પીળા રંગના અને તે છ દલપત્ર ધરાવે છે જે તારા જેવો આકાર બનાવે છે. ફૂલમાં પીળા રંગના તંતુઓ હોય છે જે બહાર નીકળી અને પરાગવાહિનીને આવરી લે છે. ફૂલો જુમ્મખામાં ખીલે છે. ફળો બેરી પ્રકારના, પુષ્કળ બીજવાળા અને અંદરથી રસદાર હોય છે.
ટમેટા કાચા ખાવામાં આવે અથવા રાંધવામાં આવે છે. આપણે ત્યાં ઘણી વાનગીઓ ઉપલબ્ધ છે જે ટમેટામાંથી બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઘણી વાનગીઓ છે જેમાં ટમેટા બીજા સ્વરૂપે પણ વપરાય છે (જેમ કે કેચઅપ, સોસ, પ્યુરી, વગેરે). ટમેટા વિટામિનનો મુખ્ય સ્ત્રોત છે જેમાં વિટામિન C પ્રમુખ હોય.
ગુજરાતમાં વ્યાવસાયિક ધોરણે તેની ખેતી થાય છે. તે મુખ્યત્વે શિયાળુ પાક છે, પરંતુ અહીંના લોકો તેની સમગ્ર વર્ષ દરમિયાન ખેતી કરે છે.
copy