હિન્દુ ધર્મના સૌથી મોટાં અને પવિત્ર ગણાતા ગ્રંથનો જન્મદિવસ એટ્લે ‘ગીતા જયંતી’. ભગવદ ગીતા એ હિન્દુ ધાર્મિક માન્યતાનું સૌથી સર્વોચ્ચ શિખર છે, એને સૌથી વધુ પવિત્ર માનવમાં આવે છે. સૌ પ્રથમ વાર ગીતાનો પાઠ શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલો અને તે માત્ર અર્જુનને સંભળાવવામાં આવેલો . કુરુક્ષેત્રના સમરાંગણમાં યુદ્ધમાં સામે પક્ષે પણ પોતાના જ સગાંઓને જોઈને ડરી ગયેલો અને વિચલિત થઈ ગયેલો અર્જુન યુદ્ધ કરવાની જ ના પાડવા લાગે છે, ત્યારે અર્જુનના સારથિ બનેલા શ્રી કૃષ્ણ અર્જુનને માનવધર્મ અને તેના કર્મો વિષે અર્જુનને જે ઉપદેશ આપે છે, તે ગ્રંથસ્થ ઉપદેશ એટ્લે ‘ભગવદ ગીતા’.
માગશર સુદની એકાદશીએ આ ગીતાસારને જયંતી રૂપે ઉજવવામાં આવે છે. ગીતાનો ઉપદેશ એ શ્રી કૃષ્ણના મુખેથી ઉત્પન્ન થયેલો કર્મની ગતિનો સાર છે. જેનું ઉપાદાન કુરુક્ષેત્રનું યુદ્ધ છે. કલિયુગ આવે એના 30 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણએ અર્જુનના નંદી ઘોષ રથના સારથિ બનીને આ ઉપદેશ આપ્યો હતો, જેને અંદાજે 5140 વર્ષ પૂરાં થયાં છે.
ભગવદ ગીતા એ માત્ર ગ્રંથ નથી, પણ એક માર્ગદર્શિકા તરીકે પણ ઉપયુક્ત છે. અહીં જાતિવાદથી ઉપર ઊઠીને માનવતા વિષેની વાત પણ કરવામાં આવી છે.ગીતાના અઢારેય અધ્યાયમાં મનુષ્યના કર્મનો મહિમા સમજાવેલો છે. સતયુગથી કલિયુગ સુધી માનવ ધર્મ અને તેના કર્મનો ધ્યેય અહીં આલેખવામાં આવ્યો છે.એક મનુષ્યના મનમાં ઉઠતાં લગભગ દરેક સવાલનો જવાબ તમને અહીં મળી શકે છે. ગીતાનો ઉદ્ભવ જ મનુષ્ય જાતિને ધર્મ સમજાવવા માટે થયો છે. મહાભારતનું યુદ્ધ ધર્મના કયા સિદ્ધાંતોને અવગણવાથી થયું ત્યાંથી શરૂ કરીને શા માટે આ યુદ્ધ કરીને અસત્યનો નાશ કરવો અને કર્મને જ મહત્વ આપવું એ સમગ્ર ગાથાનું નિરૂપણ છે. કળિયુગના આગમને જ્યારે ઈશ્વર સાક્ષાત મોજૂદ ન હોય ત્યારે આ ગીતાનો સાર જ મનુષ્યને ઈશ્વર જેવો બોધ આપી શકે છે અને તેને કર્મ કરવા પ્રેરી શકે છે. ગીતાને ઘણી જગ્યાએ કર્મનો સિદ્ધાંત અને કર્મનું મેનેજમેંટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગીતા માત્ર એક પુસ્તક ના રહેતા, ધર્મ અને શ્રદ્ધાનું મૂળ બની ગયેલ છે. જેને કોઈ ઉવેખી શકે તેમ જ નથી.
ગીતા જયંતીના અવસરે વિવિધ સ્થાનોમાં ગીતાનું પઠન કરવામાં આવે છે. દેશ અને દુનિયાના ઇસ્કોન મંદિરમાં ભગવાન કૃષ્ણ અને ગીતાજીની પૂજા, આરતી અને ભજન કીર્તન થાય છે. ક્યાંક તો વિદ્વાનો દ્વારા ગીતા સાર પણ કહેવામાં આવે છે અને ક્યાંક શાશ્ત્રોક્ત ચર્ચાનું પણ આયોજન થાય છે. આ દિવસના મહાત્મ્ય માટે ઉપવાસ પણ રાખવામાં આવે છે અને આ દિવસનો મહિમા મોક્ષદા એકાદશી તરીકે કરવામાં આવે છે. સાથે જ ભગવાન વિષ્ણુની પણ આરાધના કરવામાં આવે છે.
તમને સૌને પણ ગીતા જયંતીની શુભેચ્છાઓ.