શબબ્બો
એક ભયાનક રાત આવી અને એની સાથે એના અંધકારમાં બધું જ ગાયબ કરી લઈ ગઈ. રાત પછી દિવસ તો ઉગી નીકળ્યો કુદરતનો ક્રમ છે, ભગવાન એમાં જરાય ગફલત ના કરે! પણ, જેના જીવનમાં હવે સદાયને માટે લાંબી, કાળી રાત જ પથરાઈ ગઈ છે એ શબ્નમનું શું?
ત્રણ દિવસ પછી આજે એને હેલિકોપ્ટરમાંથી ફેંકાયેલા ફૂડ પેકેટ સિવાયનું, એની અમ્મી પીરસતી એવું ખાણું એવી જ થાળીમાં નસીબ થયું છે! એ અભાગણી ખાઈ નથી શકતી! એ બસ જોઈ રહી છે, અપલક આંખોમાં ધસી આવેલા આંસુ સાથે, હસવું કે રડવું એ નક્કી ના કરી શકતી હોય એવા ભાવ સાથે... એ ઔરતને જેણે એને આ ખાવાનું આપ્યું અને એ પોતે હવે એના નાના બાળકને પ્યારથી ખવડાવી રહી છે...
શબ્નમના દિલમાં કદાચ સવાલ છે, ખાવાનું તો મળી ગયું પણ એ મારી અમ્મી, મારા અબ્બા ક્યાં જે પ્યારથી કહે, “ચાલ શબબ્બો... ખાઈ લે બેટા!"
© નિયતી કાપડિયા.