"...વામનનો વિરાટ ઈરાદો..."
.
ભાવનગર જિલ્લાના ગોરખી ગામનો વતની ગણેશ બારૈયા જન્મથી જ કુદરતની એક ખામીનો ભોગ બન્યો જેના લીધે 17 વર્ષની ઉંમરે પણ એની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે અને વજન 14.5 કિલો છે. ગરીબ પરિવારમાં જન્મેલો આ 6 બહેનોનો ભાઈ સમજણો થયો ત્યારથી એક સપનું જોતો હતો. ગણેશનું ધ્યેય હતું કે મારે કોઈપણ ભોગે ડોક્ટર બનવું છે. ડોક્ટર બનીને મારે ખાસ તો બાળકોની ઊંચાઈ વધારી શકાય એવું કોઈ સંશોધન કરવું છે.
આ છોકરાએ તળાજાની નીલકંઠ વિદ્યાપીઠમાંથી B ગ્રૂપ સાથે 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો. 12 સાયન્સમાં 87% જેવા માર્ક્સ લાવ્યો અને NEETમાં પણ સારો સ્કોર કર્યો. ગણેશને એમ હતું કે ડોક્ટર બનવાનું એનું સપનું હવે પૂરું થશે પણ ભગવાન જાણે કે એની કસોટી કરતા હોય એમ પ્રવેશ સમિતિએ ગણેશને એડમિશન ના આપ્યું. કારણ એવું આપવામાં આવ્યું કે તમારી દિવ્યાંગતા 72%થી વધુ છે એટલે ડોક્ટર તરીકે તમે ઇમરજન્સી કેઇસ હેન્ડલ ના કરી શકો.
ભૂખ્યા માણસના મોઢા સુધી પહોંચેલો કોળિયો છીનવાઈ જાય એવું ગણેશ સાથે થયું. માતા-પિતા તો ગામડામાં રહીને ખેતી કરનારા અને માંડ માંડ બે છેડા ભેગા કરતા હતા એટલે એ તો બીજી કોઈ મદદ કરી શકે તેમ નહોતા. આવા સમયે નીલકંઠ વિદ્યાપીઠ તળાજાના સંચાલકો શ્રી દલપતભાઈ કાતરિયા અને શ્રી રૈવતસિંહ સરવૈયા એના વિદ્યાર્થીની મદદે આવ્યા. ગણેશને આયુર્વેદમાં એડમિશન મળતું હતું પણ એ એડમિશનને ઠોકર મારીને નામદાર હાઇકોર્ટના દરવાજા ખખડાવવાનું નક્કી કર્યું.
હાઇકોર્ટના વકીલની ફી ભરી શકાય એવી ગણેશના પરિવારની સ્થિતિ નહોતી પણ દલપતભાઈ અને રૈવતસિંહે બધો ખર્ચો પોતે ઉપાડીને પણ ગણેશને ન્યાય અપાવવાનો સંકલ્પ કર્યો. ભાવનગર જિલ્લા વહીવટીતંત્રનો પણ એમાં સાથ મળ્યો. MBBSમાં જ પ્રવેશ મેળવવા માટે હાઇકોર્ટમાં લડતના મંડાણ થયા. ભગવાનને પણ જાણે કે બરોબર કસણીમાં લેવા હોય એમ હાઇકોર્ટમાં કેઇસનો ચુકાદો ગણેશની વિરુદ્ધમાં આવ્યો. સ્વાભાવિક છે કે કોઈપણ માણસ હથિયાર હેઠા મૂકી દે પણ દલપતભાઈએ નક્કી જ કરેલું કે ગણેશને MBBSમાં એડમિશન અપાવવા માટે છેવટ સુધી લડી લેવું છે.
દલપતભાઈએ તપાસ કરી તો ખબર પડી કે ગણેશ જેવા બીજા બે બાળકો પણ છે જે હાઇકોર્ટમાં કેઇસ હારી ગયા છે એડમિશનથી વંચિત રહી ગયા છે. હવેનો પડાવ નામદાર સુપ્રીમ કોર્ટ હતો. સુપ્રીમ કોર્ટના વકીલની ફી અને કોર્ટનો ખર્ચો શુ થાય એ સૌ જાણે છે પણ ખર્ચાની ચિંતા કર્યા વગર ગણેશના કેઇસની અપીલ નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી. દલપતભાઈ અન્ય બે વિદ્યાર્થી વડોદરાની શેખ મુસ્કાન અને રાજકોટની માવસિયા હિનાના વાલીઓને પણ મળ્યા અને એમને પણ નામદાર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે તૈયાર કર્યા.
નામદાર સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ ચાલ્યો અને છેવટે સત્યનો વિજય થયો. ગઈકાલે નામદાર સુપ્રિમકોર્ટે ગણેશ બારૈયાની તરફેણમાં ચૂકાદો આપ્યો. સુપ્રીમમાં ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીની તરફેણમાં ગયા મહિનામાં ચુકાદો આવ્યો અને ગઈકાલે ગણેશ સહિત બીજા વિદ્યાર્થીની તરફેણમાં પણ ચૂકાદો આપ્યો. લાંબી લડતના અંતે ત્રણે વિદ્યાર્થીઓ જીતી ગયા.
ગણેશની ઊંચાઈ ભલે નાની હોય પણ એનો ઈરાદો બહુ વિરાટ છે એ એણે સાબિત કરી બતાવ્યું. દલપતભાઈ અને રૈવતસિંહ જો ગણેશની સાથે ના હોત તો આ સફળતા શક્ય જ નહોતી. સમાજમાં જ્યાં સુધી આવા ચાણક્ય સમાન શિક્ષકો હયાત છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે કોઈ વિદ્યાર્થીને અન્યાય કરી શકે.
ડો. ગણેશ બારૈયાને અભિનંદન અને દલપતભાઈ તથા રૈવતસિંહને વંદન.
.
- શૈલેષ સગપરિયા