સઁજુ કોણે નહીં જોવાની...
જો તમે સંજય દત્તની હકીકત જાણવા આ મુવી જોવા જવાના છો તો નહીં જતા, 40 -50 ની ઉંમરના મોટા ભાગના લોકોને કદાચ ફિલ્મમાં બતાવ્યું એનાથી પણ વધુ સત્ય હકીકતો ખબર છે.
જો તમે સઁજુને એના જુર્મની માફી આપવા જવાના છો તોય કોઈ તર્ક બેસતું નથી કારણકે એ એના ભાગની પૂરતી સજા જેલમાં ભોગવીને આવ્યો છે, અને જે એણે કર્યું છે કે નથી કર્યું એ જાણવામાં રસ દાખવવાની જરૂર નથી કારણકે એની ફાઇલ પોલીસે પણ બંદ કરી નાખી છે.
અને એ સિવાય તમે જો ફિલ્મ રસિયા છો?
જો તમે રાજુ હીરાણીના ફેન છો?
તમને લાગે છે કે રણભીર ખુબજ સારો એકટર છે?
તો હા, આ ફિલ્મ તમારી માટેજ છે.
સુંદર સ્ક્રીપટ, ફેક્ટ અને ફિક્શનનું મિશ્રણ, જોરદાર એક્ટિંગ અને ધમાકેદાર ડાઈરેક્શન એટલે સંજુ.
રણભીર જે રીતે આ પાત્રમાં પુરે પૂરો સમાઈ ગયો છે સાલું લાગેજ નહીં કે રણભીર છે, એકદમ સંજય દત્ત, બોલવું, ચાલવું અને એક્સપ્રેશનમાં પણ એક પૈસાની કચાશ નથી.
વાર્તામાં સિક્વન્સ કદાચ હકીકત કરતાં જુદી લાગે છે, જેમકે એનાં પહેલા પ્રેમની વાત. ઘણા મુદ્દાઓને ટચ પણ કરવામાં આવ્યા નથી, દાખલા તરીકે સંજય દત્તનાં પહેલા અને બીજા લગ્નની કોઈજ બાબત વિશે વાત નથી કે બહેનો સાથે બગડેલા સંબંધોની વાત પણ નથી કહી. એની એક યાદગાર ફિલ્મ નામ વિશે કોઈજ વાત નથી.
ડાઈરેક્શન અને સ્ક્રીનપ્લેમાં રાજુભાઇને બીટ કરવા અઘરા છે, સંજય દત્ત અને સુનીલ દત્ત વચ્ચે જબદસ્ત ડાયલોગ, નરગિસની હૂંફ અને એક કાલ્પનિક ગુજરાતી મિત્રએ તો મુવીને મસાલેદાર ચટાકેદાર બનાવી દીધા છે.
સંજુ જેવા બનો એવું ઉદાહરણ તો છોકરાઓને નહીં અપાય પણ આપણા છોકરાઓ સંજુ જેવા નહીં બને ( એટલે યુવા સંજુ જેવા, હવે તો એ એક સારો નાગરિક છે) એની કાળજી આપણેજ રાખવી રહી, આપણે સુનિલ દત્ત જેવડા મહાન તો નથીજ કે વારે ઘડીએ ખોટી દિશાએ જતાં છોકરાઓને પાછા લાઇ શકીએ...