બસ એક પ્રેમ ભર્યા સ્મિતનું અંતર હતું,
બાકી બે હ્દયનું જોડાવાનું નક્કી જ હતું.
આંખોને પણ ઈશારાની રાહે રોકી હતી,
બાકી નજર થી નજર મળવાનું નક્કી હતું.
કહું ના કહું એવી મનમાં મથામણ હતી,
બાકી મનમેળ થવાનો છે એ નક્કી હતું.
ન રોકી શક્યા આ નાદાન દિલ ને અમે,
મનમાની એ કરવાનું છે એ નક્કી હતું.
તારી વાતોમાં વહેતી ક્ષણોની એ મજા,
જાણે તારું મારું એક થવાનું નક્કી હતું.
વિસરાઈ જાય સઘળું સિવાય તારા,
તને પણ પ્રેમ થશે એ પણ નક્કી જ હતું.
યૌવનનું એ રેશમી સાહસ હતું જાણે,
ગેરસમજનું ટીપું પડવાનુંય નક્કી હતું.
વફા કરી તોય વિધાતા સાથે રકઝક કરી અમે ,
રાતનું જાગરણ મળવાનું પણ નક્કી હતું.
પળેપળ અમે સમેટી લીધી તારી સાથેની બસ,
ને મારું ગઝલકાર બનવાનુંય નક્કી હતું.
રૂચિ કિંચિત દેસાઈ
પારડી